નર્મદા
ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે ઉત્સાહ અને ગૌરવભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર કમલમ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમમાં ભરૂચ-નર્મદા લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખ વસાવા, રાજપીપળા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, ભાજપ નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ સહિત ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહીત જિલ્લાના વિવિધ મંડળોના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદન કરીને ભારતીય જનતા પાર્ટીના સ્થાપક નેતાઓ તથા મહાન વિચારકોને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પાર્ટીની વિચારધારા, સંઘઠન શક્તિ અને દેશના વિકાસ માટે ભાજપ દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાજપીપળા કમલમ ખાતે ચીકદા ના આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો તથા તિલકવાડા કોંગ્રેસના 10થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યો હતો અને ભાજપના સિદ્ધાંતોને અનુસરી જનસેવા માટે આગળ વધવાની અપીલ કરવામાં આવી હતી.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓના કારણે સામાન્ય નાગરિકને સીધો લાભ મળ્યો છે અને દેશની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે વધેલી છે.ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિકાસ અને જનકલ્યાણના અનેક મહત્વના નિર્ણયો લીધા છે. નર્મદા જિલ્લો પણ વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે અને ભાજપ સરકાર પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરી રહી છે.જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે પાર્ટીનું સંગઠન દિવસેને દિવસે વધુ મજબૂત બનતું જઈ રહ્યું છે. અનેક કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે તે ભાજપની લોકપ્રિયતા અને સરકારના વિકાસ કાર્યનો પુરાવો છે. તેમણે આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ નર્મદા જિલ્લામાં પ્રચંડ જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.


