નર્મદા
નર્મદા જિલ્લામાં ૨ નવા બ્રિજ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની સરળ કનેક્ટિવીટી માટે નર્મદા જિલ્લામાં ૨ નવા પૂલોના નિર્માણ માટે ૩૦૨.૪૦ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. *તદનુસાર, નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પૂલ માટે ૧૨૩.૧૩ કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે ૧૭૯.૨૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ બે પૂલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામ જનોને પણ અવર-જવર માટે સુગમતા રહેશે તથા આ વિસ્તારમાંથી શાળા-કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા-જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે સાથે પરીક્રમામાં આવતા લાખો પરીક્રમા વાસીઓને ભવિષ્યમાં આ બંન્ને પૂલોનો લાભ મળવાથી કુલ ૧૭ કિલોમીટરનો ફેરાવો ઘટશે અને સમય તથા ઈંધણની પણ બચત થશે.

